ઉત્ક્રાંતિના મૂળ સિદ્ધાંતમાં માનવજાતિનું સર્જન અનુક્રમે પરિવર્તનશીલ રહ્યું છે અને રહ્યા કરશે. જંગલી દશાના કચડાયેલા યુગમાંથી જીવન પરિવર્તનશીલ થતાં સંપ અને સહકારથી ગામો રચાયાં અને અનુક્રમે નવા સમાજનું નિર્માણ થયું. અરસપરસ સહકાર, સંગઠન, કુટુંબપ્રેમ અને એકબીજાને મદદકર્તા બનવાની ભાવનાના ઉચ્ચ આદર્શ સાથે કાળબળે વ્યવહારીક મુશ્કેલીઓની સમસ્યાનો ઉકેલ લાવવા માનવીએ જુદા જુદા જૂથો રચ્યા, કે જે સમયના પ્રવાહે જ્ઞાતિઓના નામે ઓળખાયા.
શ્રી ઘોઘારી દશા શ્રીમાળીનો જન્મ પણ પલટાતા સમયના વહેણમાં ઉત્પન્ન થયો છે કે જેનો ઈતિહાસ મારવાડ પ્રાંતમાંથી મળી આવે છે. પરદેશી યવનોના ત્રાસથી મારવાડની ધીકી ધરતીએ મધ્ય-યુગમાં ઘણા જ તડકા-છાંયડા જોયા છે. શૂરા રજપૂતો અઠંગ અને અડગટેક હોવા છતાં સમાજ અને જ્ઞાતિના જૂથને અસ્તિત્વમાં ટકાવી રાખવા આપણા પૂર્વજોને પરિસ્થિતિએ વિષમ સંજોગોમાં મૂકી દીધા. આપણું ઉત્પત્તિસ્થાન મારવાડના ભીમપાળ, શ્રીમાળ, ઓશિયા અને ચિત્તોડ. આ સમયે જ્ઞાતિભેદ જેવું ન હતું. કાળક્રમે પરિસ્થિતિઓને પહોંચી વળવા તેઓએ કાઠીયાવાડ પ્રાંતમાં સ્થળાંતર કર્યું અને ત્યાં જ સ્થાયી બન્યા. સંવત ૧૨૭૫ આસપાસના સમયમાં આ બનાવો બન્યા હતા તેમ ઈતિહાસની રૂપરેખા કહે છે. ભીમપાળ તથા શ્રીમાળમાંથી આવ્યા તે 'શ્રીમાળી', ઓશિયા પ્રાંતના 'ઓસવાળ' અને ચિત્તોડ પ્રાંતના 'પોળવાળ' ના જૂથથી ઓળખાયા. કાળક્રમે આ જૂથના દશા તથા વિશાના ભેદ પડ્યા અને આ ભેદને લીધે આપણે 'દશા શ્રીમાળી' કહેવાયા.
સૌરાષ્ટ્રના ગોહિલવાડ વિભાગ (ઘોળ) ના ચૌદ (૧૪) તાલુકાના આશરે ૨૦૦ ગામોના નોકરી-ધંધાર્થે મુંબઈમાં વસતા દશા શ્રીમાળી કુટુંબોનો સમૂહ એટલે 'શ્રી ઘોઘારી દશા શ્રીમાળી જ્ઞાતિ'. આપણી જ્ઞાતિનો મુંબઈનો પૂર્વનો ઈતિહાસ ઉપલબ્ધ નથી છતાં આશરે ૧૫૦ કે તેથી વધુ વર્ષ પહેલા સૌરાષ્ટ્ર ગોહિલવાડ પંથકના સાહસિક કુટુંબો મુંબઈ આવી વસ્યા હોવાનું જણાય છે. ઘોઘા સંમેલનના બંધારણને માન્ય રાખનાર આ મુંબઈની દશા શ્રીમાળી જ્ઞાતિએ "શ્રી ઘોઘારી દશા શ્રીમાળી જ્ઞાતિ" તરીકે ઓળખાવાનું શરૂ કર્યું. જ્ઞાતીના તે વખતના અગ્રેસરોએ ઘોઘામાં યોજાયેલા જ્ઞાતિ સંમેલનમાં મુંબઈના પ્રતિનિધિઓ તરીકે હાજરી આપી હતી. આજે મુંબઈમાં ગોહિલવાડ પંથકના ચાર હજાર ઉપરાંત ઘોઘારી દશા શ્રીમાળી જ્ઞાતિના કુટુંબો વસવાટ કરે છે. વિક્રમ સંવત ૧૯૬૪માં ઘોઘા (સૌરાષ્ટ્ર) મૂકામે ભરાયેલ શ્રી ગોહિલવાડ પ્રાંતની દશા શ્રીમાળી વણિક જ્ઞાતિના આ સંમેલનમાં કુલ ચૌદ તાલુકાનાં ગામો આવરી લેવામાં આવ્યાં છે. ૧) ભાવનગર ૨) મહુવા ૩) તળાજા ૪) ઘોઘા ૫) દિહોર ૬) ઉમરાળા ૭) વળા ૮) કાનપર ૯) પાલીતાણા ૧૦) રોહી શાળા ૧૧) લીંબડા, ધસા, માંડવા, જલાલપર ૧૨) ગઢાળી ૧૩) ગઢડા ૧૪) મુંબઈ શહેર (ઉરણ-પનવેલ સાથે) સાથે તાલુકાઓના મળી કુલ લગભગ બસો ગામો થાય છે.
આપણા ઘોળમાં જુદા જુદા ધાર્મિક સંપ્રદાયો જેવા કે વૈષ્ણવ, જૈન (દહેરાવાસી અને સ્થાનકવાસી), દિગંબર જૈન અને સ્વામીનારાયણ ઈત્યાદી હોવા છતાં સંપ, સંગઠન, ભાતૃભાવ, સૌહાર્દ, કૌટુંબિક ભાવના, સહિષ્ણુતાના ગુણોથી જ્ઞાતિએ ગૌરવભર્યું સ્થાન પ્રાપ્ત કર્યું છે. બેટી વ્યવહારનું સુંદર આયોજન અને મનની વિશાલ દ્રષ્ટિથી આજ સુધીના દરેક વ્યવહારમાં સરળતા અને સહિષ્ણુતા જળવાઈ રહ્યાં છે.
શિસ્ત અને વ્યવસ્થા કોઈપણ જ્ઞાતિના કાર્ય માટે પ્રાણબળ હોય છે કે જેના માટે બંધારણની જરૂર પડે છે. આ કાર્ય માટે વિક્રમ સંવત ૧૯૬૪ માં ઘોઘા મૂકામે એકત્ર થયેલા જ્ઞાતિના સંમેલને બંધારણના ધારા-ધોરણો તથા કાયદાઓનું આયોજન કર્યું. આના અનુસંધાનમાં આપણી મુંબઈની જ્ઞાતિએ "બંધારણ" ઘડ્યું. અવારનવાર આ બંધારણના ધારા-ધોરણોમાં સમયોચિત સુધારા વધારા કરવામાં આવે છે અને જેની ખબર જ્ઞાતિના સભ્યોને પહોંચાડવામાં આવે છે.
આમ આપણી જ્ઞાતિનો ઈતિહાસ ઘણો જ રસપ્રદ અને ઉન્નતી રૂપ રહ્યો છે. સમય અને સંજોગોના પરિવર્તનમાં તેનું સ્થાન ઉત્થાનમાંજ રહ્યું છે તે ગૌરવવંતુ છે.
શ્રી ઘોઘારી દશા શ્રીમાળી જ્ઞાતિ, મુંબઈ
૩૬, ફૂલ ગલ્લી, મોદી હોલ, ભૂલેશ્વર, મુંબઈ - ૪૦૦ ૦૦૨.
ફોને: - ૨૨૪૨૮૭૯૨ / ૬૬૩૮૦૩૫૧
Copyright © શ્રી ઘોઘારી દશા શ્રીમાળી જ્ઞાતિ, મુંબઈ ૨૦૧8
Website Design By Cintero Systems